May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesવર્ષ ૨૦૨૧ પછી આઈપીઓ બજારમાં ક્રેઝ નુકસાનકારક પુરવાર થયો...!!

વર્ષ ૨૦૨૧ પછી આઈપીઓ બજારમાં ક્રેઝ નુકસાનકારક પુરવાર થયો…!!

છેલ્લા કેટલાક વર્ષોમાં પ્રાયમરી (આઈપીઓ) બજારમાં જે પ્રકારનો જુસ્સો અને ક્રેઝ જોવા મળ્યો છે તે ભારતીય શેરબજારના ઇતિહાસમાં પહેલાં ક્યારેય જોવા મળ્યો નથી. વર્ષ ૨૦૨૧થી વર્ષ ૨૦૨૪ની વચ્ચે, રોકાણકારોએ આઈપીઓને નફા માટે માત્ર એક ‘શોર્ટકટ’ તરીકે જોવાનું શરૂ કર્યું હતું. પરંતુ આજે તે જ આઈપીઓ રોકાણકારોને ભારે નુકસાન પહોંચાડી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન લગભગ ૨૮૦ કંપનીઓએ આઈપીઓ રજુ કર્યા હતા, જેમાંથી ઘણી કંપનીઓને જબરદસ્ત સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું. પરંતુ આજની તારીખે, ડઝનબંધ કંપનીઓના શેર તેમના ઇશ્યૂ ભાવથી ૫૦%થી વધુ ઘટયા છે. આમાંથી કેટલાકમાં તો ૯૭%નું નુકસાન થયું છે.

આ નુકસાનનું સૌથી મોટું ઉદાહરણ એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ છે, જેણે જાન્યુઆરી ૨૦૨૨માં પ્રતિ શેર રૂ.૧૭૫ના ભાવે આઈપીઓ લોન્ચ કર્યો હતો. તે સમયે, આ આઈપીઓને ૭.૮ ગણું સબ્સ્ક્રિપ્શન મળ્યું હતું એટલે કે રોકાણકારોનો વિશ્વાસ તેની ટોચ પર હતો. પરંતુ આજે આ જ શેર રૂ.૫ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. જે રોકાણકારે આ આઈપીઓમાં રૂ.૧ લાખનું રોકાણ કર્યું હશે, આજે તેનું મૂલ્ય ફક્ત રૂ. ૩૨૦૦ છે. આને ભારતીય આઈપીઓ ઇતિહાસમાં સૌથી મોટા ખોટ કરતા લિસ્ટિંગમાં ગણી શકાય.

એજીએસ ટ્રાન્ઝેક્ટ ટેક્નોલોજીસ એકમાત્ર ઉદાહરણ નથી. તાજેતરમાં આઈપીઓ લાવનાર પોપ્યુલર વ્હીકલ્સ એન્ડ સર્વિસીસનો શેર પણ રૂ.૨૯૫ના ઇશ્યૂ ભાવથી ૫૫% ઘટી ૧૩૩ ઉતરી આવ્યો છે. બીજી બાજુ, જો મોટા નામોની વાત કરીએ તો, પેટીએમ, સ્ટાર હેલ્થ, ડ્રીમફોક સર્વિસ જેવી કંપનીઓએ પણ રોકાણકારોને ભારે નુકસાનમાં ધકેલી દીધા છે. આ કંપનીઓ એક સમયે ચર્ચાનું કેન્દ્ર હતી, તેમની ‘થીમ’ અને ‘ટેકનોલોજી’ લોકોને આકર્ષતી હતી, પરંતુ જ્યારે નફાની વાત આવી, ત્યારે બધું જ ઝાંખું પડી ગયું. આ આઈપીઓમાં એક સામાન્ય પેટર્ન જોવા મળે છે.

ઇશ્યૂ સમયે કંપનીના નાણાકીય આંકડાઓ વધુ પડતા હતા. કંપનીઓ પાસે કોઈ મજબૂત બિઝનેસ મોડેલ નહોતું, પરંતુ માર્કેટિંગ એટલું મજબૂત હતું કે રોકાણકારો લલચાઈ ગયા હતા. પેટીએમ આનું ઉત્તમ ઉદાહરણ છે, શરૂઆતમાં આ શેરની કિંમત રૂ.૨૧૫૦ હતી, પરંતુ આજે તે રૂ.૧૦૫૨ છે. કેટલાક આઈપીઓમાં મોટું નુકસાન થયું છે, તેમ છતાં સમગ્ર સેગમેન્ટને ખરાબ કહી શકાય નહીં. રિપોર્ટ સૂચવે છે કે ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં રૂ.૧.૫ લાખ કરોડથી વધુ મૂલ્યના આઈપીઓ આવી શકે છે. પરંતુ આ વખતે રોકાણકારોએ સાવધ રહી સમજી વિચારી રોકાણ કરવું જોઈએ.

દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O

Most Popular