અમેરિકાએ ભારતમાંથી થતી ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ અને રેડીમેડ ગારમેન્ટની નિકાસ પર વધારાની ૫૦% ઇમ્પોર્ટ ડ્યૂટી લાદી દીધી છે. આ પગલાથી ભારતના અંદાજે ૧૧ અબજ ડોલરના નિકાસ ધંધાને મોટો ફટકો પડ્યો છે. જવાબરૂપે, ભારત સરકારે નવા બજારો શોધવા અને નિકાસકારોને બચાવવા તાત્કાલિક પ્રયાસો શરૂ કર્યા છે.
સરકારે ખાસ કરીને બ્રિટન, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ટેક્સટાઈલનો સપ્લાય વધારવા પર ભાર મૂક્યો છે. એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ આ મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. સાથે સાથે ક્વોલિટી, ટકાઉપણું અને ઇનોવેટિવ પ્રોડક્ટ્સના ક્ષેત્રમાં ભારતને મજબૂત બનાવવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે. ઉલ્લેખનીય છે કે આ ત્રણેય દેશો મળીને ૫૯૦ અબજ ડોલરના ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ આયાત કરે છે, જે ભારત માટે મોટો અવસર બની શકે છે.
અમેરિકાએ ૨૭ ઓગસ્ટથી ટેક્સટાઈલ પર ૬-૮%ના મૂળ ટેરિફ સિવાય વધારાના ૫૦% ટેરિફ લગાવ્યા બાદ ભારતની નિકાસ લગભગ સ્થગિત થઈ ગઈ છે. આવી સ્થિતિમાં, ભારતે ફ્રાન્સ, ઇટાલી, સ્પેન, નેધરલેન્ડ, પોલેન્ડ, કેનેડા, મેક્સિકો, રશિયા, બેલ્જિયમ, તુર્કી, યુએઇ અને ઓસ્ટ્રેલિયા જેવા અન્ય દેશોમાં એન્ટ્રી વધારવા માટે આયોજન કરી લીધું છે. દરેક બજારમાં કેટલો નિકાસ વધારવો તેના માટે ટાર્ગેટ પણ નક્કી કરી દેવામાં આવ્યા છે.
હાલમાં ભારત વિશ્વના ૨૨૦ દેશોમાં ટેક્સટાઈલ નિકાસ કરે છે, પરંતુ તેમાં ૪૦ દેશ સૌથી મહત્વના ગણાય છે. આ દેશોમાં નિકાસ વધારવાથી ભારતના એક્સપોર્ટ પોર્ટફોલિયોમાં વૈવિધ્ય આવશે. ભલે જ અમેરિકામાં નિકાસ બંધ થવાથી ૧૧ અબજ ડોલરનો ફટકો પડ્યો હોય, પરંતુ અન્ય દેશોના બજારો પર નજર કેન્દ્રિત કરીને ભારતને નવા અવસરો શોધવા મદદ મળશે. હાલમાં ટેક્સટાઈલ નિકાસમાં ભારતનો વૈશ્વિક માર્કેટ શેર ૪.૧% છે અને ભારત છઠ્ઠા ક્રમે છે.
વર્ષ ૨૦૨૪-૨૫માં દુનિયાભરમાંથી ટેક્સટાઈલ અને એપરલની કુલ ૧૭૯ અબજ ડોલરની નિકાસ થઈ હતી, જેમાં ભારતનો મોટો હિસ્સો છે. હવે એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ બજારોનું વિશ્લેષણ કરીને કયા દેશમાં કયા પ્રોડક્ટ્સની વધુ માંગ છે તે અંગે માર્ગદર્શન આપશે. આનો સીધો ફાયદો સુરત, પાણીપત, તિરપુર અને ભાદોહીના મેન્યુફેક્ચરર્સને થઈ શકે છે.
સાથે સાથે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) નિકાસને વધુ ટકાઉ બનાવવા માટે મહત્વપૂર્ણ સાબિત થશે. બ્રિટન, સાઉદી અરેબિયા અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો સાથે એફટીએ થવાથી ભારતીય પ્રોડક્ટ્સની સ્પર્ધાત્મકતા વધશે અને લાંબા ગાળે ટેક્સટાઈલ નિકાસ વધુ મજબૂત બનશે.
દરરોજ સમાચાર મેળવવાં માટે અમારી વોટ્સએપ ચેનલ Join કરી શકો છો – ક્લિક કરો :- https://whatsapp.com/channel/0029VaVkaZX8Pgs7nE7Hk33O




