મ્યુચ્યુઅલ
ફંડોમાં એપ્રિલ ૨૦૨૫ મહિનામાં ચોખ્ખો રોકાણ પ્રવાહ ૩.૨% ઘટીને રૂ.૨૪,૨૬૯.૨૬ કરોડ નોંધાયો
છે. જો કે આ રોકાણ પ્રવાહ માર્ચ ૨૦૨૧થી સતત ૫૦માં મહિને પોઝિટીવ નોંધાયો હોવાનું
એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)ના જાહેર થયેલા આંકડામાં
દર્શાવાયું છે. આ સાથે ઈક્વિટી ફંડોની એયુએમ એપ્રિલમાં ૩.૮૧% વધીને રૂ.૩૦.૫૮ લાખ
કરોડ પહોંચી છે. ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમમાં ૬.૪૭%નો વધારો થયો
છે. માર્ચ મહિનામાં બજારની મજબૂત રિકવરી છતાં મ્યુચ્યુઅલ ફંડોમાં રોકાણમાં
સાવચેતીએ નજીવો ઘટાડો થયો છે. એપ્રિલ મહિનામાં બીએસઈ સેન્સેક્સ ૩.૬૫% વધ્યો છે, જ્યારે
એનએસઈનો નિફટી ૫૦ ઈન્ડેક્સ ૩.૪૬% વધ્યો છે.
આ દરમિયાન સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) થકી માસિક રોકાણ પ્રવાહ ૨.૭૨ ટકા વધીને એપ્રિલમાં રૂ.૨૬,૬૩૨ કરોડની નવી સર્વોચ્ચ ઊંચાઈએ પહોંચ્યો છે. સતત ચોથા મહિને એપ્રિલમાં નેટ ઈક્વિટી રોકાણ પ્રવાહમાં ઘટાડો થતાં આ રોકાણ પ્રવાહ છેલ્લા ૧૨ મહિનાની નીચી સપાટીએ નોંધાયો છે. ફિસ્ક્ડ ઈન્કમ સેગ્મેન્ટમાં ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં નેટ રોકાણ પ્રવાહ ગત મહિને રૂ.૨.૧૯ લાખ કરોડ નોંધાયો છે. ડેટ ફંડો, શોર્ટ ટર્મ લિક્વિડ ફંડોમાં રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૧.૧૯ લાખ કરોડ નોંધાયો છે, જે માર્ચમાં રૂ.૧.૩૩ લાખ કરોડ નોંધાયો હતો. આ ઉપરાંત મની માર્કેટ ફંડમાં નેટ રોકાણ પ્રવાહ એપ્રિલમાં રૂ.૩૧,૫૦૭.૦૪ કરોડ નોંધાયો છે.





