May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesચોથા ત્રિમાસિકમાં એફએમસીજી સેક્ટરનો ગ્રોથ ઘટીને ૫.૧% રહ્યો...!!

ચોથા ત્રિમાસિકમાં એફએમસીજી સેક્ટરનો ગ્રોથ ઘટીને ૫.૧% રહ્યો…!!

દેશના એફએમસીજી સેક્ટરનો ગ્રોથ જાન્યુઆરી – માર્ચ ક્વાર્ટરમાં ઘટીને ૫.૧% રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં ૬.૧% હતો. ગ્રાહકોએ ખરીદી તો કરી પરંતુ સ્મોલ-વેલ્યૂ પેક એટલે કે નાના પેકની વધુ ખરીદી કરી હતી. રિપોર્ટ અનુસાર તમામ કેટેગરીમાં વોલ્યૂમ ગ્રોથ ઘટ્યો છે અને નોન-ફૂડ સેગમેન્ટ ફૂડ સેગમેન્ટ કરતાં વધારે વૃદ્ધિ કરતું જોવા મળ્યું છે. છેલ્લાં પાંચ ક્વાર્ટરથી જે ટ્રેન્ડ જોવા મળ્યો છે તે મુજબ જ માર્ચ ક્વાર્ટરમાં પણ ગ્રામીણ ક્ષેત્રમાં એફએમસીજીનો ગ્રોથ શહેરી વિસ્તારો કરતાં વધારે સારો રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્ર સામાન્ય રીતે સ્મોલ ઈકોનોમી પેક યુનિટ્સ માર્કેટ ગણાય છે. નાના પેકનું વેચાણ આ વિસ્તારોમાં વધારે થતું હોય છે. જોકે તેમાં પણ ગ્રોથ ઘટ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં ગ્રામીણ ક્ષેત્રે માંગ ગત વર્ષના આ ક્વાર્ટરની સરખામણીમાં ધીમી ગતિએ વધી હતી. જોકે તેમ છતાં શહેરી વિસ્તારોમાં જે માંગ રહી તેના કરતાં ગ્રામીણ વિસ્તારોમાં ચાર ગણી વધારે માંગ વધી હતી.

દેશના મોટાભાગના રિજનમાં ગ્રામીણ માંગનો ગ્રોથ શહેરોની સરખામણીમાં વધારે રહ્યો હતો. એફએમસીજી ઈન્ડસ્ટ્રીનો યુનિટ ગ્રોથ વોલ્યૂમ ગ્રોથ કરતાં વધારે રહ્યો હતો. તે દર્શાવે છે કે ગ્રાહકો નાના પેક સાઈઝ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. અનબ્રાન્ડેડ નાની કંપનીઓનું વેચાણ સારું એવું વધ્યું છે અને તેમનો વોલ્યૂમ ગ્રોથ ડબલ ડિજિટમાં રહ્યો છે. ગ્રામીણ ક્ષેત્રમાં તેમનો દબદબો છે અને તે દર્શાવે છે કે માર્કેટ ડાયનેમિક્સ બદલાતું જોવા મળી રહ્યું છે. સમગ્ર રીતે એફએમસીજી સેક્ટરનો ગ્રોથ માર્ચ ક્વાર્ટરમાં ૧૧% રહ્યો હતો, જેમાં વોલ્યૂમ ગ્રોથનું ૫.૧% યોગદાન રહ્યું હતું, જ્યારે ૫.૬% યોગદાન ભાવવધારાને કારણે જોવા મળ્યું હતું. કરિયાણા દુકાનો જેવા પરંપરાગત વ્યાપાર સ્રોત મારફતે વેચાણ વોલ્યૂમ વધ્યું હતું. મેટ્રો માર્કેટમાં ક્વિક-કોમર્સ મારફતે વેચાણ વધ્યું હતું.

ફૂડ કન્ઝમ્પ્શન ગ્રોથ ૪.૯% રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં ૪.૪% હતો. જોકે ડિસેમ્બર ક્વાર્ટરના ૬% કરતાં ગ્રોથ ધીમો રહ્યો હતો. ખાદ્યતેલ, પામ ઓઈલ, વગેરે સ્ટેપલ કેટેગરીમાં વોલ્યૂમ ઘટ્યું હતું. તેમાં ભાવવધારો થયો હતો જે પણ એક કારણ હોઈ શકે. ફૂડ સેક્ટરમાં સરેરાશ ભાવવધારો ૭.૨% રહ્યો હતો, જે ગત વર્ષે આ ગાળામાં ૦.૯% હતો. હોમ અને પર્સનલ કેર કેટેગરીમાં ગ્રોથ ૫.૭% રહ્યો હતો. જોકે ગત વર્ષે આ ગાળામાં તેમાં ૧૦.૮% વોલ્યૂમ ગ્રોથ જોવાયો હતો. ઓવર-ધ-કાઉન્ટર કેટેગરીમાં ગ્રોથ ૧૪% રહ્યો હતો, જેનું મુખ્ય કારણ ભાવમાં ૧૦.૪% વધારો કરાયો તે હતું. ઈ-કોમર્સ મારફતે વેચાણ વધતું જોવા મળ્યું છે.

Most Popular