અમેરિકા દ્વારા ભારતના માલસામાન પર વધારાના ૨૫% ટેરિફ લગાવવાની જાહેરાત
બાદ દેશના વિવિધ નિકાસલક્ષી ક્ષેત્રોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. ગારમેન્ટ્સ, ઓટો
કમ્પોનેન્ટ, જેમ્સ એન્ડ જ્વેલરી તથા ફૂટવેર જેવા ઉદ્યોગો અમેરિકામાં વિશાળ નિકાસ
બજાર ધરાવે છે અને નવા ટેરિફના કારણે આ ક્ષેત્રો પર સીધી અસર થવાની શક્યતા છે.
એપરલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન સુધીર શેખરીએ જણાવ્યું કે
માઇક્રો અને મીડિયમ એપરલ ઉદ્યોગ માટે આટલો ઊંચો ટેરિફ અસહ્ય સાબિત થશે. ખાસ કરીને
અમેરિકી બજાર પર નિર્ભર નિકાસકારોને મોટો ફટકો પડશે, સિવાય કે સરકાર તાત્કાલિક
નાણાંકીય પ્રોત્સાહન અને રાજકોષીય ટેકો જાહેર કરે. વર્ષ ૨૦૨૪માં ભારતમાંથી
ગારમેન્ટની કુલ નિકાસમાંથી ૩૩% નિકાસ અમેરિકા ખાતે થઈ હતી, જેને કારણે આ નિર્ણય
ઉદ્યોગ માટે મોટો ઝટકો સાબિત થશે.
ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગ માટે અમેરિકા મહત્વનું વેપાર ભાગીદાર છે. નાણાકીય
વર્ષ ૨૦૨૪-૨૫માં ભારતમાંથી કુલ ૨૨.૯૦ અબજ ડોલરની ઓટો કમ્પોનેન્ટ નિકાસ થઈ, જેમાંથી
૨૭% અમેરિકામાં ગઈ હતી. ઉદ્યોગના સૂત્રોના મતે, વધેલા ટેરિફ ટૂંકા ગાળે પડકાર ઉભા
કરશે, તેથી સ્પર્ધાત્મકતા વધારવા અને નવી બજારો શોધવા પર ધ્યાન આપવું પડશે.
જેમ્સ એન્ડ જ્વેલરી ઉદ્યોગ પણ નવા ટેરિફના પ્રભાવને ધ્યાનમાં રાખીને
વિકલ્પો શોધી રહ્યો છે. ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, નીચા ટેરિફ ધરાવતા દેશો
જેમ કે દૂબઈ અને મેક્સિકોમાં ઉત્પાદન એકમો સ્થાપી, ત્યાંથી અમેરિકામાં નિકાસ
કરવાનું સરળ બનશે.
વિદેશ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યું કે સેવા તથા માલસામાનની નિકાસમાં
વૈવિધ્ય લાવવા માટે ભારત નવી બજારો શોધી રહ્યું છે. દક્ષિણ એશિયા, આફ્રિકા, મધ્ય
પૂર્વ તથા લેટિન અમેરિકાના દેશોમાં નવા વેપાર અવસરોની શોધ ચાલી રહી છે. કોઈપણ દેશ
માટે વિકલ્પ બજારો શોધવાનું સ્વાભાવિક છે અને હાલની પરિસ્થિતિમાં તે વધુ જરૂરી બની
ગયું છે.