ગયા નાણાકીય વર્ષમાં આવક અને
નફામાં નરમાઈ છતાં, પણ ભારતીય કોર્પોરેટ ક્ષેત્રએ તેના શેરધારકોને અગાઉની તુલનાએ
વધુ ડિવિડન્ડ ચૂકવ્યા છે. દેશની અગ્રણી લિસ્ટેડ કંપનીઓની કુલ ડિવિડન્ડ ચુકવણી નાણાકીય
વર્ષ ૨૦૨૫ માં રૂ.૫ લાખ કરોડ રહી હતી, જે નાણાકીય વર્ષ ૨૦૨૪માં રૂ.૪.૫૨ લાખ કરોડ
કરતાં ૧૦.૮ ટકા વધુ છે. ડિવિડન્ડની તુલનામાં, આ કંપનીઓનો કુલ ચોખ્ખો નફો નાણાકીય
વર્ષ ૨૦૨૫માં ૫.૨ ટકા વધીને રૂ.૧૬ લાખ કરોડ થયો હતો, જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ.૧૫.૨૧
લાખ કરોડ હતો.
આ કંપનીઓની કુલ ચોખ્ખી
આવક/વેચાણ નાણાકીય વર્ષ ૨૦૨૫માં ૭.૫ ટકા વધીને રૂ.૧૬૬.૪ લાખ કરોડ રહી હતી, જે
નાણાકીય વર્ષ ૨૪માં રૂ.૧૫૪.૮૩ લાખ કરોડ હતી. જોકે, કંપનીઓ દ્વારા તેમના શેરધારકોને
કરવામાં આવતી કુલ ચુકવણી, જેમાં શેર બાયબેકનો સમાવેશ થાય છે, નાણાકીય વર્ષ ૨૦૨૫
માં ૧.૭ ટકા વધીને રૂ.૫.૦૮ લાખ કરોડ થઈ ગઈ છે જે પાછલા નાણાકીય વર્ષમાં રૂ.૫.૦૩
લાખ કરોડ હતી. કંપનીઓ દ્વારા શેરધારકોને કરવામાં આવતી કુલ ચુકવણી ૫ વર્ષમાં સૌથી
ઓછી વધી છે.
પ્રાઇમ ડેટાબેઝના ડેટા અનુસાર, નાણાકીય વર્ષ ૨૦૨૫માં ફક્ત રૂ.૮૦૩૪ કરોડના શેર ફરીથી ખરીદવામાં આવ્યા હતા, જે નાણાકીય વર્ષ ૨૦૨૪ માં રૂ.૫૦,૭૫૧ કરોડ હતા. પરિણામે, ડિવિડન્ડ ચૂકવણીનો ગુણોત્તર નાણાકીય વર્ષ ૨૦૨૫ માં દાયકાના સૌથી નીચા ૨૯.૭ ટકાથી વધીને ૩૧.૩ ટકા થયો. પરંતુ આ ૧૦ વર્ષના સરેરાશ ચૂકવણી ગુણોત્તર ૩૫ ટકા કરતા ઓછો છે. શેર બાયબેકમાં ઘટાડાને કારણે કુલ ચુકવણીનો આંકડો ઓછો દેખાઈ રહ્યો છે. છેલ્લા ૧૦ વર્ષમાં, કંપનીઓએ તેમના વાર્ષિક ચોખ્ખા નફાના લગભગ ૪૦ ટકા ડિવિડન્ડ અને બાયબેક દ્વારા તેમના શેરધારકોને ચૂકવ્યા છે.