ભારતની
ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની પ્રવૃત્તિનો અંદાજ આપતા પરચેઝિંગ મેનેજર્સ’ ઈન્ડેકસ
(પીએમઆઈ) એપ્રિલમાં વૈશ્વિક સ્તરે સૌથી ઊચા રહ્યા હતા. જેપી મોર્ગનના અહેવાલ
પ્રમાણે એપ્રિલમાં ભારતનો સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૮.૭૦ રહ્યો હતો અને ઉત્પાદન
ક્ષેત્રનો ૫૮.૨૦ રહ્યો હતો વિકસિત તથા ઊભરતી બજારોમાં સૌથી ઊંચા રહ્યા છે. કોઈપણ
દેશની ઉત્પાદન તથા સેવા ક્ષેત્રની કામગીરીની જાણકારી માટે પીએમઆઈ એક મહત્વનું
નિર્દેશાંક છે. ૫૦થી ઉપરના પીએમઆઈને જે તે ક્ષેત્રનું વિસ્તરણ કહેવામાં આવે છે.
ઉત્પાદન
તથા સેવા ક્ષેત્રના મજબૂત ડેટા ભારતનું અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં હોવાના સંકેત
આપે છે, એમ જેપી મોર્ગનના એક રિપોર્ટમાં જણાવાયું હતું. એપ્રિલમાં ચીનનો ઉત્પાદન
ક્ષેત્રનો માર્કેટ પીએમઆઈ ૫૦.૪૦ રહ્યો હતો જ્યારે નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસનો
આ આંક ૪૯ રહ્યો હતો. આમ ચીનની ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિ ભારતની સરખામણીએ ઘણી જ
નબળી રહી હોવાનું જોવા મળ્યું છે. સેવા ક્ષેત્રમાં પણ ચીનનો માર્કેટ પીએમઆઈ ૫૦.૭૦
અને નેશનલ બ્યુરો ઓફ સ્ટેટિસ્ટિકસનો આ આંક ૫૦.૧૦ રહ્યો હતો.
અન્ય દેશો જેમ કે અમેરિકા, યુકે, જોપાનમાં પણ આવી જ સ્થિતિ જોવાઈ રહી છે. અમેરિકાનો એપ્રિલનો ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઈ ૪૮.૭૦ જ્યારે સેવા ક્ષેત્રનો પીએમઆઈ ૫૧.૬૦ જોવા મળ્યો હતો. યુરોઝોન પણ આર્થિક પ્રવૃત્તિની દ્રષ્ટિથી હાલમાં સંઘર્ષ કરી રહ્યું છે. આમ ઉત્પાદન તથા સેવા ક્ષેત્રમાં ભારત વૈશ્વિક સ્તરે આગેવાન હોવાનું જોવા મળી રહ્યું છે. સ્થાનિક સ્થળે મજબૂત માંગ તથા ઊચા વેપાર આશાવાદથી દેશમાં આર્થિક પ્રવૃત્તિને ગતિ મળી રહી છે.