એપ્રિલમાં
સતત બીજા મહિને રોકાણકારોએ ઘરેલુ ગોલ્ડ ઈટીએફમાંથી પૈસા ઉપાડી લેવાનું ચાલુ
રાખ્યું હતું. સતત ૧૦ મહિનાના ચોખ્ખા રોકાણ પ્રવાહ પછી, માર્ચમાં પ્રથમ વખત
આઉટફ્લો જોવા મળ્યો હતો. અગાઉ, ગયા વર્ષે એપ્રિલમાં ગોલ્ડ ઈટીએફમાં ચોખ્ખો આઉટફ્લો
નોંધાયો હતો. એસોસિએશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયાના તાજેતરના ડેટા અનુસાર, દેશના
કુલ ૨૦ ગોલ્ડ ઈટીએફ (ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ) માંથી ગયા મહિને ૫.૮૨ કરોડ
રૂપિયાનો ચોખ્ખો આઉટફ્લો નોંધાયો હતો. ગયા વર્ષે આ જ મહિના દરમિયાન, દેશના કુલ ૧૭
ગોલ્ડ ઈટીએફમાંથી રૂ.૩૯૫.૬૯ કરોડનો ચોખ્ખો આઉટફ્લો થયો હતો.
માર્ચ ૨૦૨૫ દરમિયાન ગોલ્ડ ઈટીએફમાં રૂ.૭૭.૨૧ કરોડનો ચોખ્ખો આઉટફ્લો નોંધાયો હતો. ચોખ્ખા આઉટફ્લો છતાં, સોનાના ભાવમાં તીવ્ર તેજીને કારણે એપ્રિલના અંત સુધીમાં ગોલ્ડ ઈટીએફની નેટ એસેટ અંડર મેનેજમેન્ટ (એયુએમ) વધીને રેકોર્ડ રૂ.૬૧,૪૨૨.૧૯ કરોડ થઈ છે. ગયા વર્ષે સમાન સમયગાળા દરમિયાન તે રૂ.૩૨,૭૮૯.૦૦ કરોડ હતી જ્યારે માર્ચ ૨૦૨૫માં તે રૂ.૫૮,૮૮૭.૯૯ કરોડ હતી. અગાઉ, સમગ્ર કેલેન્ડર વર્ષ ૨૦૨૪ દરમિયાન, ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ.૧૧,૨૬૬.૧૧ કરોડનું ચોખ્ખું રોકાણ કરવામાં આવ્યું હતું જ્યારે કેલેન્ડર વર્ષ ૨૦૨૩ દરમિયાન, રૂ.૨૯૨૩.૮૧ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું હતું. કેલેન્ડર વર્ષ ૨૦૨૨ દરમિયાન, ૧૧ ગોલ્ડ ઈટીએફમાં કુલ રૂ.૪૫૮.૭૯ કરોડનું રોકાણ કરવામાં આવ્યું હતું.