રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૧૦.૦૨.૨૦૨૫ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૮૬૦ સામે ૭૭૭૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૭૧૦૬ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૭૪૨ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૭૩૧૧ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૬૧૪ સામે ૨૩૫૮૯ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૩૮૮ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૩૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૫૫ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૪૫૯ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજારમાં કડાકાનો દોર યથાવત્ રહ્યો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહના શરૂઆતે બીએસઈ સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. વૈશ્વિક સ્તરે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર ૨૫% ડ્યુટી લાદવાની જાહેરાતની અસર વિશ્વભરના શેરબજારો પર સ્પષ્ટપણે દેખાઈ હતી અને જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાનના બજારો રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.
સ્થાનિક સ્તરે બજેટમાં મોટી જાહેરાતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો રેપો રેટ ઘટાડવાનો નિર્ણય તેમજ દિલ્હી ચૂંટણીના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુમતી સાથે વિજયને બજારે ડિસ્કાઉન્ટ કરી કોર્પોરેટ પરિણામોની નેગેટીવ અસર અને ફુગાવો-મોંઘવારીના જોખમી પરિબળે બજારનું સેન્ટીમેન્ટ ફરી ડહોળાઈ રહ્યું હોઈ સાવચેતીમાં ફંડો, ઓપરેટરો, ખેલંદાઓ મિડકેપ, સ્મોલ કેપ શેરોમાં સતત ઓફલોડિંગ કરતાં માર્કેટબ્રેડ્થ નેગેટીવ રહી હતી. કરન્સી માર્કેટની વાત કરીએ તો, વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ તથા બોન્ડ યીલ્ડમાં વધારો થતા ભારતીય રૂપિયાના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. જયારે ક્રૂડઓઈલના ભાવમાં સાંકડી વધઘટ જોવા મળી હતી.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૨.૦% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૨.૨૫% ઘટીને બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૫ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૦૩૨ અને વધનારની સંખ્યા ૧૦૭૦ રહી હતી, ૧૨૩ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૮ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં કોટક બેન્ક ૧.૨૦%, ભારતી એરટેલ ૦.૯૦%, આઈસીઆઈસીઆઈ બેન્ક ૦.૪૮%, ટેક મહિન્દ્ર ૦.૪૧%, એચસીએલ ટેકનોલોજી ૦.૪૦%, ટીસીએસ લી. ૦.૧૫% અને હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૦૧% વધ્યા હતા, જયારે પાવર ગ્રીડ કોર્પોરેશન ૩.૪૫%, ટાટા સ્ટીલ ૩.૧૧%, ઝોમેટો લિ. ૨.૮૭%, ટાઈટન કંપની ૨.૮૩%, બજાજ ફાઈનાન્સ ૨.૧૫%, એનટીપીસી લી. ૨.૦૭%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૦૨%, ટાટા મોટર્સ ૧.૫૨%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૧.૩૬%, ઇન્ફોસિસ લી. ૧.૨૪%, એકસિસ બેન્ક ૧.૧૩% અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ૧.૦૬% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, વર્તમાન વર્ષના જાન્યુઆરીમાં ભારતીય ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા બાદ વિદેશી સંસ્થાકીય રોકાણકારો વર્તમાન મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ઈક્વિટી કેશમાં નેટ વેચવાલ રહ્યા છે. જાન્યુઆરીમાં ઈક્વિટી કેશમાં એફઆઈઆઈએ રૂ.૮૭૩૭૪ કરોડની નેટ વેચવાલી કરી હતી. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં એફઆઈઆઈએ કેશમાં રૂ.૧૦૧૭૯.૪૦ કરોડની નેટ વેચવાલી કરી છે. કેલેન્ડર વર્ષ ૨૦૨૫માં અત્યારસુધી ઈક્વિટી કેશમાં રૂ.૯૭૦૦૦ કરોડથી વધુની વેચવાલી આવી પડી છે. ડોલર ઈન્ડેકસમાં મજબૂતાઈ તથા અમેરિકન બોન્ડ યીલ્ડસમાં વૃદ્ધિને કારણે વિદેશી રોકાણકારો ભારતીય ઈક્વિટીસમાંથી રોકાણ પાછા ખેંચી રહ્યા છે. જો કે ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટવા લાગતા આગળ જતા એફઆઈઆઈની વેચવાલી પણ ધીમી પડવા શકયતા છે. આગામી નાણાં વર્ષના બજેટમાં આકર્ષક દરખાસ્તો અને રિઝર્વ બેન્ક દ્વારા વ્યાજ દરમાં કપાતને જોતા શેરબજારમાં તબક્કાવાર સુધારો જોવા મળવાની અપેક્ષા છે. જો કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીની થનારી બેઠક તેમજ આર્થિક વિકાસ દર તથા કંપનીઓના પરિણામો બજારની લાંબા ગાળાની દિશા નિશ્ચિત કરનારા પરિબળો બની રહેશે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.