બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૭૩૭૮ સામે ૭૬૬૨૯ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૬૨૪૯ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૮૭૯ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૧૦૪૮ પોઈન્ટના ઘટાડા સાથે ૭૬૩૩૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૫૦૦ સામે ૨૩૪૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૩૧૧૨ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૨૯૬ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૩૩૮ પોઈન્ટના ઘટાડા સાથે ૨૩૧૬૨ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સપ્તાહના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. એશીયાના બજારોમાં નરમાઈ સાથે ભારતીય શેરબજારમાં ઇન્ડેક્સ બેઝડ વોલેટીલિટીના અંતે ધોવાણ ચાલુ રહ્યું હતું. ગત સપ્તાહના અંતિમ ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવારે પણ શેરબજારના ઇન્ડેક્સ સેન્સેક્સ અને નિફ્ટી બંને કડાકા સાથે બંધ થયા હતા. જોકે આજે પણ ભારતીય શેરબજારમાં કડાકાની સ્થિતિ જોવા મળી અને બીએસઈ સેન્સેક્સમાં અંદાજીત ૧૦૦૦ પોઈન્ટથી વધુ તેમજ નિફ્ટી ફ્યુચર ૩૦૦ પોઈન્ટથી વધુનો કડાકો જોવા મળ્યો હતો.
બીજી તરફ ૨૦, જાન્યુઆરીના અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળે એ બાદ વૈશ્વિક વેપારમાં પડકારો વધવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધવાના ભયે વૈશ્વિક બજારોમાં સાવચેતીમાં નરમાઈની સાથે ભારતીય શેરબજારમાં આજે વિદેશી ફંડોએ શેરોમાં સતત વેચવાલ બનતાં અવિરત વ્યાપક કડાકો બોલાયો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, ભારતીય શેરબજારની સાથે સાથે રૂપિયામાં પણ મંદીનું જોર વધ્યું છે. ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યીલ્ડમાં આકર્ષક તેજીના કારણે રૂપિયો સતત નવુ તળિયું નોંધાવી રહ્યો છે ત્યારે આજે રૂપિયો ફરી ડોલર સામે તૂટી નવી ઓલટાઈમ લો સપાટીએ પહોંચ્યો હતો, જયારે અમેરિકાએ ઈરાન તથા રશિયા પર નવા અંકુશો જાહેર કરતા ક્રૂડના ઓઈલના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો ત્રણ મહિનાની ટોચે પહોંચ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૪.૧૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૪.૧૪% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, યુટીલીટી, સર્વિસીસ, પાવર, ઇન્ડસ્ટ્રીયલ, કન્ઝ્યુમર ડીસ્ક્રીશનરી, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, કોમોડિટીઝ અને કેપિટલ ગુડ્સ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઘટાડા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૨૮ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૫૬૨ અને વધનારની સંખ્યા ૫૫૫ રહી હતી, ૧૩૧ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૪ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં એકસિસ બેન્ક ૦.૭૮%, ટીસીએસ લી. ૦.૬૨%, હિન્દુસ્તાન યૂનિલિવર ૦.૪૫% અને ઇન્ડસઇન્ડ ૦.૪૧% વધ્યા હતા, જયારે ઝોમેટો લિ. ૬.૫૨%, પાવર ગ્રીડ કોર્પોરેશન ૪.૦૯%, અદાણી પોર્ટસ ૪.૦૮%, ટાટા સ્ટીલ ૩.૪૯%, એનટીપીસી લી. ૩.૨૩%, ટાટા મોટર્સ ૩.૦૬%, મહિન્દ્રા & મહિન્દ્રા ૨.૯૯%, એશિયન પેઈન્ટ ૨.૮૯%, ટેક મહિન્દ્ર ૨.૮૮%, અલ્ટ્રાટેક સિમેન્ટ ૨.૩૬%, સન ફાર્મા ૨.૨૪% અને લાર્સન લી. ૨.૦૨% ઘટ્યા હતા.
બજારની ભાવિ દિશા…. મિત્રો, છેલ્લા કેટલાક સમયથી ઘટતા વોલ્યૂમ સાથે બજાર કોન્સોલિડેટ થઇ રહ્યું છે તે બજારમાં ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સના ઘટેલા રસને સૂચવે છે. હવે જો વધુ લાંબો સમય કોન્સોલિડેશનની સ્થિતિ રહેશે તો આની વિપરીત અસર થઈ શકે છે, જો કે હવે નવા વર્ષ ૨૦૨૫માં વૈશ્વિક મોરચે અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ સત્તાનું સુકાન સંભાળનાર હોઈ વિશ્વની વેપાર નીતિ પર તેની અસર અને જીઓપોલિટીકલ પરિબળ કેવા વળાંક લે છે એના પર વૈશ્વિક બજારોની સાથે ભારતીય શેરબજારની નજર રહેશે.
સ્થાનિક સ્તરે ફુગાવાની સ્થિતિ સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા વ્યાજ દરમાં ઘટાડાની ક્યારે શરૂઆત થશે અને કેન્દ્રિય બજેટમાં આવકવેરા સહિતમાં રાહત આપવામાં આવે છે કે કેપિટલ ગેઈન ટેક્ષમાં ફરી વૃદ્વિ કરવામાં આવશે એ પરિબળો પણ મહત્વના બની રહેશે. સાથે સાથે આગામી મહિનામાં ફોરેન ફંડોનો રોકાણ વ્યુહ કેવો રહેશે અને ફંડ એલોકેશન કેવું રહેશે એના સંકેત મળવા સુધી દરેક ઉછાળે સાવચેતી આવશ્યક છે. વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે ત્રિમાસિકમાં નબળા દેખાવ બાદ ભારતીય કંપનીઓની ત્રીજા ત્રિમાસિક ગાળાની કામગીરી પણ નબળી જોવા મળવાની ધારણાં મૂકવામાં આવી રહી છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.