રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૩.૦૬.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૬૪૬૮.૭૮ સામે ૭૬૨૮૫.૭૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૦૨૩૪.૪૩ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૬૦૬૬.૦૩ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૪૩૮૯.૭૩ પોઈન્ટના ઘટાડા સાથે ૭૨૦૭૯.૦૫ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૩૪૦૭.૯૦ સામે ૨૩૦૦૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૧૨૬૫.૦૦ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૯૦૪.૦૦ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૪૩૨.૯૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૧૯૭૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
સામાન્ય ચૂંટણીના પરિણામોમાં એનડીએ સરકારને બમ્પર બહુમતી ન મળવાને કારણે મંગળવારે શેરબજારમાં ભારે ઘટાડો નોંધાયો હતો.દિવસભર શેરબજારના કામકાજમાં ઘણો ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો.મંગળવારે શેરબજારના નબળા કામકાજને કારણે બેન્ક નિફ્ટી ઇન્ડેક્સ લગભગ ૮% ઘટીને બંધ થયો હતો, જ્યારે નિફ્ટી મિડકેપ ૧૦૦ પણ લગભગ ૮% તૂટી ગયો હતો. બીએસઇ સ્મોલ કેપ ઈન્ડેક્સ ૭% ના ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બીએસઇ સેન્સેક્સ ૪૩૮૯.૭૩ પોઈન્ટ ઘટીને ૭૨૦૭૯ના સ્તર પર બંધ થયો હતો જ્યારે નિફ્ટી ફ્યુચર ૧૪૩૩ પોઈન્ટ ના ઘટાળા સાથે ૨૨૦૭૯ના સ્તર પર બંધ થયો હતો, જ્યારે બેન્ક નિફ્ટી ફ્યુચર ૩૯૮૮ પોઈન્ટ ના ઘટાળા સાથે ૪૭૨૯૫ના સ્તર પર બંધ થયો હતો.
મંગળવારે ચૂંટણી પરિણામોના દિવસે શેરબજારમાં કોરોના સંકટ પછી એક દિવસમાં સૌથી મોટા ઘટાડાનો સામનો કરવો પડ્યો હતો. લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામોએ એક્ઝિટ પોલને ખોટો ઠેરવતાં શેરબજાર આજે પત્તાના મહેલની જેમ કડડભૂસ થયુ હતું. સેન્સેક્સમાં એક તબક્કે ૬૨૦૦ પોઈન્ટનો કડાકો નોંધાયો હતો. રોકાણકારોએ એક દિવસમાં સૌથી વધુ રૂ. ૪૬ લાખ કરોડ ગુમાવ્યા હતા. ભારતીય શેરબજારમાં વિદેશી રોકાણકારોની ઉદાસીનતા સતત દેખાઈ રહી છે અને તે સતત વધી રહી છે. તમે તેનો અંદાજો લગાવી શકો છો કે ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સએ મે મહિનામાં ભારતીય શેરબજારમાંથી ૩૫,૫૮૬ કરોડ રૂપિયા પાછા ખેંચી લીધા છે. અગાઉના મહિનામાં એટલે કે એપ્રિલ ૨૦૨૪ માં આ આંકડો રૂ.૮૭૦૦કરોડ હતો. લગભગ બે દાયકા પછી FPI દ્વારા આટલો મોટો ઉપાડ કરવામાં આવ્યો છે.
મંગળવારે શેરબજારમાં ભારે ઘટાડા છતાં, હિન્દુસ્તાન યુનિલિવર, બ્રિટાનિયા, હીરો મોટોકોર્પ, નેસ્લે ઈન્ડિયા, ટાટા કન્ઝ્યુમર, સિપ્લા અને ટીસીએસના શેરમાં વધારો નોંધાયો હતો, મંગળવારે શેરબજારમાં કામકાજમાં ૮૦% કંપનીઓના શેર નબળાઈ પર કામ કરી રહ્યા હતા.જ્યારે ટોપ લૂઝર્સની શ્રેણીમાં અદાણી પોર્ટ્સ ૨૧%, ૨૦% તૂટ્યા હતા,અદાણી એન્ટરપ્રાઈઝ, ઓએનજીસી ૧૭%, એનટીપીસી ૧૫% એસબીઆઈ ૧૪% અને લાર્સન એન્ડ ટુબ્રોના શેર ૧૩%નો ઘટાળો જોવાયો,સાથે સાથે રિલાયન્સ,લ્યુપીન, ઈન્ડીગો,ઈન્ફોસીસ,ગ્લેનમાર્ક ફાર્મા,બાલક્રિષ્ણ ઇન્ડ.,ગ્રાસીમ,વોલ્ટાસ ,ટેક મહિન્દ્રા,સ્ટેટ બેન્ક ઘટાડે વેપાર થયા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૩૪ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૩૩૪૯ અને વધનારની સંખ્યા ૪૮૮ રહી હતી, ૯૭ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૦૨ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૨ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, શેરબજારમાં આવેલા મોટા ઘટાડા પાછળના કારણોમાં મુખ્ય કારણ વડાપ્રધાન મોદીના નેતૃત્વ હેઠળની એનડીએને અપેક્ષિત બેઠક ન મળી હોવાનું છે. એક્ઝિટ પોલના અંદાજોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારને ૩૬૧ – ૪૦૧ બેઠકો મળવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ પરિણામના દિવસે સમાચાર લખાયા ત્યાં સુધી એનડીએ ૨૯૪ બેઠકો પર લીડ કરતી જોવા મળી છે. એક્ઝિટ પોલના અંદાજો ખોટા ઠરતાં રોકાણકારો નિરાશ થયા છે. શેરબજારમાં ઘટાડાનું બીજું કારણ ચૂંટણી પરિણામો સાથે સંકળાયેલું છે. વાસ્તવમાં, એક્ઝિટ પોલમાં જે અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા, તેમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી (બીજેપી) સ્પષ્ટ બહુમતી મેળવશે. પરંતુ જ્યારે મંગળવારે મતો શરૂ થયા ત્યારે સ્પષ્ટ થઈ ગયું હતું કે ભાજપ દેશમાં પૂર્ણ બહુમતી સાથે સરકાર બનાવે તેવી શક્યતા નથી. તેની અસર શેરબજારમાં ઘટાડા સ્વરૂપે પણ જોવા મળી હતી અને જેમ જેમ ગણતરી આગળ વધી રહી હતી તેમ તેમ શેરબજારમાં ઘટાડો પણ સતત વધતો જણાતો હતો. એક્ઝિટ પોલના અંદાજો વાસ્તવિકતામાં પરિવર્તિત થતા નથી, ભાજપને સ્પષ્ટ બહુમતી મળી નથી અને વિદેશી રોકાણકારોની ઉદાસીનતાએ શેરબજારમાં રોકાણ કરતા રોકાણકારોના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી છે.આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી પરિણામોના પગલે શેરબજારમાં ભારે વોલેટિલિટી જોવા મળી શકે છે.
Past Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing.