રોકાણકાર મિત્રો, આનંદ ને…!! તા.૦૯.૦૪.૨૦૨૪ ના રોજ…
બીએસઇ સેન્સેક્સ :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે બીએસઇ સેન્સેક્સ આગલા બંધ ૭૪૭૪૨.૫૦ સામે ૭૫૧૨૪.૨૮ પોઈન્ટના મથાળેથી ખુલીને નફારૂપી વેચવાલી દ્વારા ૭૪૬૦૩.૩૭ પોઈન્ટના નીચા મથાળે જોવા મળેલ. સેન્સેક્સ આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…દિવસ દરમ્યાન સરેરાશ ૫૨૦.૯૧ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી ભારતીય શેરબજારનો સેન્સેક્સ ૫૮.૮૦ પોઈન્ટના ઘટાડા સાથે ૭૪૬૮૩.૭૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
નિફ્ટી ફ્યુચર :- ઇન્ટ્રા ડે ટ્રેડીંગની શરૂઆતે નિફ્ટી ફ્યુચર આગલા બંધ ૨૨૭૪૮.૫૦ સામે ૨૨૮૨૦.૦૦ પોઈન્ટના મથાળેથી ખુલીને સ્ટોક સ્પેશીફીક ઘટાડો નોંધાવી ૨૨૭૦૨.૧૫ પોઈન્ટના નીચા મથાળા સુધી જોવા મળેલ. નિફ્ટી ફ્યુચર આધારિત શેરોમાં તબક્કાવાર વેચવાલીનો માહોલ જોવા મળ્યો…સરેરાશ ૧૪૨.૮૫ પોઈન્ટની મુવમેન્ટ નોંધાવી નિફ્ટી ફ્યુચર ૧૩.૫૦ પોઈન્ટના ઘટાડા સાથે ૨૨૭૩૫.૦૦ પોઈન્ટ બંધ થયેલ..!!!
સ્થાનિક / વૈશ્વિક પરિબળોની વાત કરીએ તો…
ભારતીય શેરબજાર સતત નવી ટોચ નોંધાવી રહ્યું છે ત્યારે સેન્સેક્સ અને નિફ્ટીએ વિવિધ પડકારોનો મજબૂત સામનો કરતાં આકર્ષક રિટર્ન સાથે રોકાણકારોને માલામાલ કર્યા છે. સેન્સેક્સ બે દાયકામાં અંદાજીત ૧૪૦૦% તેમજ છેલ્લા એક વર્ષમાં અંદાજીત ૨૫.૫૨%નું રિટર્ન આપવાની સાથે રોકાણકારોની મૂડીમાં ૧૩૮.૫૧ લાખ કરોડનો વધારો કર્યો છે. ભારતમાં હિન્દુનું નવું વર્ષ ઉજવવામાં આવી રહ્યું છે, ત્યારે ચૈત્ર નવરાત્રીના પહેલા દિવસે બીએસઈ સેન્સેક્સે પ્રથમ વખત ૭૫ હજાર પોઈન્ટની સપાટી ક્રોસ કરી ૭૫૧૨૪ પોઈન્ટની અને નિફ્ટી ફ્યુચરે ૨૨૮૪૫ પોઈન્ટની નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી.
વૈશ્વિક સ્તરે ક્રુડ ઓઈલના ભાવ વધતાં અટકી ઘટી આવ્યા સાથે કોર્પોરેટ પરિણામો સિઝનમાં ચાલુ સપ્તાહમાં ટીસીએસના રિઝલ્ટથી શરૂ થનારી સીઝનની અપેક્ષાએ આજે વૈશ્વિક બજારો પાછળ ભારતીય શેરબજાર પણ તેજી તરફી માહોલ જોવા મળ્યો હતો.લોકસભાની ચૂંટણી બાદ હાલની જ સરકાર પ્રસ્થાપિત થવાના અહેવાલને પગલે રોકાણકારોનું માનસ પણ પોઝિટિવ રહેતા ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો – એફપીઆઈઝની ભારતીય શેરબજારમાં નીચા મથાળે નવી લેવાલી તેમજ સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની અવિરત ખરીદી નોંધાતા ભારતીય શેરબજારએ નવી ઐતિહાસિક સપાટી નોંધાવી હતી, જો કે જો કે ઇન્ડેક્સ બેઇઝડ બે તરફી અફડાતફડીના અંતે બજારમાં ફરી વધ્યામથાળે ઘણા સ્મોલ, મિડ કેપ શેરોમાં સાવચેતીમાં ખેલંદાઓ, ઓપરેટરોએ પ્રોફિટ બુકિંગ કરતાં ઘટાડો નોંધાયો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ ૦.૪૭% અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૦.૧૫% ઘટીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર કંઝ્યુમર ડ્યુરેબલ્સ, એનર્જી, એફએમસીજી, ઈન્ડસ્ટ્રીયલ્સ, કેપિટલ ગુડ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઓટો, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, ટેલિકોમ્યુનિકેશન અને પાવર શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૩૯૫૧ સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા ૨૨૩૪ અને વધનારની સંખ્યા ૧૬૦૮ રહી હતી, ૧૦૯ શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે ૧ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૧ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એસએન્ડપી બીએસઈ સેન્સેક્સમાં આઈસીઆઈસીઆઈ બેન્ક ૧.૮૭%, ઈન્ફોસિસ ૧.૧૯%, બજાજ ફિનસર્વ ૧.૧૮%, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૦.૫૭% અને ટાટા સ્ટીલ ૦.૪૮% વધ્યા હતા, જ્યારે ટાઈટન કંપની ૧.૮૧% રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ૧.૪૮%, એશિયન પેઈન્ટ્સ ૧.૨૬%, ટેક મહિન્દ્રા ૧.૧૫% અને ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૧૨% ઘટ્યા હતા. ઈન્ડેક્સ બેઝડ સેન્સેક્સ, નિફટીમાં ઘટાડા સાથે મીડકેપ, સ્મોલકેપ શેરોમાં વેચવાલીએ રોકાણકારોની સંપતિ બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન ૦.૯૩ લાખ કરોડ ઘટીને ૩૯૯.૯૫ લાખ કરોડ રહ્યું હતું. એસએન્ડપી બીએસઈ સેન્સેક્સની ૩૦ કંપનીઓમાંથી ૧૨ કંપનીઓ વધી અને ૧૮ કંપનીઓ ઘટી હતી.
બજારની ભાવિ દિશા…. મિત્રો, નાણાકીય વર્ષની શરૂઆત રોકાણકારો માટે પ્રોત્સાહક રહી છે જેમાં ભારતીય શેરબજારએ ઓલટાઈમ હાઈ સપાટી નોંધાવી છે. આપણે વૈશ્વિક સ્તરે બજારોના ઐતિહાસિક પ્રદર્શનથી આગળ વધી રહ્યા છે. એ ઉલ્લેખનીય રહેશે કે આપણે હવે તેજીના બજારના પાંચમા વર્ષમાં છીએ. સામાન્ય રીતે, તેજીના બજારો ૫ વર્ષથી વધુ ચાલતા નથી, ઘણી વખત તેનાથી થોડા ઓછા હોય છે. ભારતમાં ચૂંટણીને રોકાણકારો દ્વારા ધ્યાનમાં રાખતા ચૂંટણી પરિણામો બહાર ન આવે ત્યાં સુધી બજારમાં થોડો ગભરાટ જોવા મળી શકે છે. તેમ છતાં નર્વસનેસ સામાન્ય કરતાં ઘણી ઓછી હશે કારણ કે મોટા ભાગના મતદાનો એકતરફી પરિણામ સૂચવે છે. જો કોઈ એક પક્ષને પ્રચંડ બહુમતી મળશે, તો રોકાણકારો જુલાઈમાં બજેટ પર આતુરતાથી નજર રાખશે. ભારત, યુએસ અને અન્ય દેશોમાં ચૂંટણી, વ્યાજ દરની કાર્યવાહી અને સતત ભૌગોલિક રાજકીય તણાવ જેવી ઘટનાઓ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરે છે. ખાસ કરીને મિડ અને સ્મોલ કેપ્સ શેરોના વેલ્યુએશન ઘણા ઊંચા છે, જે જોતાં બજારમાં દરેક ઉછાળે સાવચેતી જરૂરી બની રહેશે.
લેખક સેબી રજીસ્ટર્ડ રીસર્ચ એનાલીસ્ટ અને ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ના પ્રોપરાઇટર છે.
ડિસ્ક્લેમર / પોલીસી / શરતો www.nikhilbhatt.in ને આધીન…!!!
email :- hellonikhilbhatt@gmail.comPast Performance is not an Indicator of Future Returns. The securities quoted are for illustration only and are not recommendatory. Investment in securities market are subject to market risks. Read Disclaimer and related all the documents carefully before investing / trading, mentioned on www.nikhilbhatt.in