May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesવોલેટીલિટીના કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો...!!

વોલેટીલિટીના કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડો…!!

મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડવા લાગ્યો છે. વૈશ્વિક મોરચે એક તરફ ટ્રમ્પના ટેરિફ વોર અને બીજી તરફ ઈઝરાયેલ-હમાસ યુદ્વ અને રશીયા-યુક્રેન બાદ સ્થાનિક સ્થળે ભારત-પાકિસ્તાન તણાવના પરિણામે વૈશ્વિક બજારોની સાથે ભારતીય બજારોમાં પણ વોલેટીલિટી સર્જાતાં ઈન્વેસ્ટરોના કોન્ફિડન્સ પર અસર જોવાઈ છે. આ વોલેટીલિટીના કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં પણ નવો રોકાણકાર વર્ગ સાવચેત બનતાં રોકાણકારોની સંખ્યા મર્યાદિત બનવા લાગી છે. તાજેતરના મહિનાઓમાં બજારમાં મોટા કરેકશનના કારણે વર્તમાન રોકાણકારો પણ થોભો અને રાહ જુઓ પર આવી જતાં નવા રોકાણકારોનો પ્રવાહ મંદ પડતો જોવાયો છે.

એપ્રિલ ૨૦૨૫ મહિનામાં મ્યુચ્યુઅલ ફંડોમાં નવા રોકાણકારો ત્રણ લાખ જેટલો ઉમેરો થયો છે. જે છેલ્લા ૨૨ મહિનામાં સૌથી ઓછો છે. છેલ્લા ૧૨ મહિનામાં રોકાણકારોની સંખ્યામાં દર મહિને સરેરાશ ૯,૬૦,૦૦૦ વધારો નોંધાયો છે. પરમેનન્ટ એકાઉન્ટ નંબર (પાન) મુજબ આ યુનિક રોકાણકારોની કુલ સંખ્યા ગણતરીમાં લેવાઈ છે. એપ્રિલ ૨૦૨૫ના અંતે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ ૫.૪૬ કરોડ યુનિક રોકાણકારોની સંખ્યા ધરાવે છે. આ સાથે ડિમેટ એકાઉન્ટોની સંખ્યામાં પણ ઉમેરો એપ્રિલમાં ૨૩ મહિનાની નીચી સપાટીએ માત્ર ૨૦ લાખ જેટલો થયો છે.

નવા રોકાણકારોના ઉમેરા માટે મહત્વના ગણાતા નવા ફંડ ઓફરિંગમાં પણ તાજેતરના મહિનાઓમાં ઘટાડાના કારણે અસર જોવાઈ હોવાનું ઉદ્યોગ અગ્રણીનું માનવું છે. એપ્રિલ મહિનામાં માત્ર એક એક્ટિવ ઈક્વિટી સ્કિમમાં એનએફઓ પૂર્ણ થયો છે, જેમાં રૂ.૧૭૧ કરોડ એકત્ર કરાયા છે. આ તમામ કેટેગરીઝમાં કુલ મળીને સાત સ્કિમો લોન્ચ થઈ હતી અને કુલ રૂ.૩૫૦ કરોડ એકત્ર કરાયા હતા. જેની તુલનાએ નાણા વર્ષ ૨૦૨૫ના બીજા અર્ધવાર્ષિકમાં ૨૫ લોન્ચ અને દર મહિને સરેરાશ રૂ.૬૦૦૦ કરોડ એકત્ર કરાયા હતા.

Most Popular