ઈક્વિટી
મ્યુચ્યુઅલ ફંડોમાં મે ૨૦૨૫ મહિનામાં રોકાણ પ્રવાહ એપ્રિલની તુલનાએ ૨૧.૬૬ ટકા
ઘટીને રૂ.૧૯૦૧૩.૧૨ કરોડની એક વર્ષની નીચી સપાટીએ નોંધાયો છે. એસોસીયેશન ઓફ
મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી)એ આજે જાહેર કરેલા આંકડામાં ઈક્વિટી ફંડોમાં
રોકાણકારોનો રોકાણ ઉત્સાહ મંદ પડતો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. એમ્ફીના આંકડા મુજબ
ઈક્વિટીઝમાં માર્ક ટુ માર્કેટ (એમટુએમ) લાભના કારણે મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની
એયુએમ-એસેટ અન્ડર મેનેજમેન્ટ એપ્રિલ ૨૦૨૫ના રૂ.૬૯.૯૯ લાખ કરોડની તુલનાએ મે ૨૦૨૫માં
પ્રથમ વખત રૂ.૭૨.૨૦ લાખ કરોડની ઊંચાઈએ પહોંચી છે.
આમ મે
મહિનામાં એકંદર ચોખ્ખો રોકાણ પ્રવાહ ઉદ્યોગમાં રૂ.૨૯,૧૦૮.૩૩ કરોડનો નોંધાયો છે. મે
મહિનાના આંકડા સાથે ઓપન એન્ડેડ ઈક્વિટી ફંડોમાં ચોખ્ખો રોકાણ પ્રવાહ માર્ચ ૨૦૨૧
બાદ સતત પોઝિટીવ બની રહી ૫૧માં મહિને પોઝિટીવ ઝોનમાં રહ્યો છે. એમ્ફીના ચીફ
એક્ઝિક્યુટીવ એન. ચેલાસાનીએ જણાવ્યું હતું કે, ભારતીય મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની
એયુએમ રૂ.૭૦ લાખ કરોડનો આંક પાર કરી નવી ઊંચાઈએ પહોંચી છે. જે રિટેલ રોકાણકારોની
સતત હિસ્સેદારી અને સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)ના સતત વહેલા પ્રવાહ
થકી જોવાયું છે.
એસઆઈપીમાં વૃદ્વિ પ્રોત્સાહક બની રહેતાં રોકાણકારો લાંબાગાળાના રોકાણ તરફ વળી રહ્યાનો સંકેત આપે છે. મે મહિનામાં ઈક્વિટીમાં રોકાણ પ્રવાહ ધીમો રૂ.૧૯૦૧૩ કરોડ રહ્યો છે. જે બજારની વોલેટીલિટીના કારણે સાવચેતીનો અભિગમ દર્શાવે છે. શેરબજારની રિકવરીના કારણે રોકાણકારો સીધા ઈક્વિટીમાં રોકાણ તરફ વળવાના કારણે મ્યુચ્યુઅલ ફંડોમાં ઈક્વિટી ફંડોમાં રોકાણ પ્રવાહ ધીમો પડયો હોવાનું માનવામાં આવે છે. મે મહિનામાં સેન્સેક્સ ૧.૫૧ ટકા અને નિફટી ૫૦ ઈન્ડેક્સ ૧.૭૧ ટકા વધ્યા છે.





