મે માસમાં
ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન ૧૬.૪% વધીને રૂ.૨.૦૧ લાખ કરોડ રહ્યું છે
તેમ આજે જારી કરવામાં આવેલા સરકારી આંકડામાં જણાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે
ગયા મહિને એપ્રિલમાં જીએસટી કલેક્શન રૂ.૨.૩૭ લાખ કરોડ હતું જે અત્યાર સુધીનું સૌથી
વધુ કલેક્શન હતું. મે, ૨૦૨૪મા જીએસટી કલેક્શન રૂ.૧,૭૨,૭૩૯ કરોડ રહ્યું હતું. મે મહિનામાં ઘરેલુ લેવડ દેવડથી કુલ જીએસટી આવક ૧૩.૭%
વધીને રૂ.૧.૫૦ લાખ કરોડ રહી છે. જ્યારે આયાતથી જીએસટી કલેક્શન ૨૫.૨% વધીને રૂ.૫૧૨૬૬
કરોડ રહ્યું છે.
મે માસમાં કુલ સેન્ટ્રલ જીએસટી આવક રૂ.૩૫,૪૩૪ કરોડ, સ્ટેટ જીએસટી આવક રૂ.૪૩,૯૦૨ કરોડ અને ઇન્ટેગ્રેટેડ જીએસટી ક્લેક્શન લગભગ રૂ.૧.૦૯ લાખ રહ્યું છે. સેસથી રૂ.૧૨૮૭૯ કરોડની આવક થઇ છે. મે મહિનામાં કુલ રિફંડ ૪% ઘટીને રૂ.૨૭૨૧૦ કરોડ રહ્યું છે. મેમાં નેટ જીએસટી રૂ.૧.૭૪ લાખ કરોડ રહ્યું છે. જે વાર્ષિક ધોરણે ૨૦.૪%ની વૃદ્ધિ દર્શાવે છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, કર્ણાટક અને તમિલનાડુ જેવા રાજ્યોના જીએસટી કલેક્શનમાં ૧૭ થી ૨૫%ની વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે ગુજરાત, આંધ્ર પ્રદેશ, તેલંગણાના જીએસટી કલેક્શનમાં ૬% સુધીની વૃદ્ધિ જોવા મળી છે.






