May 25, 2026

+91 99390 80808

May 25, 2026

 | +91 99390 80808

HomeNews Headlinesભારતનો રિઅલ જીડીપી ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ...!!

ભારતનો રિઅલ જીડીપી ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ…!!

ભારતના અર્થતંત્રની ગાડી પાટા પર હોવાના અનેક અંદાજો વિવિધ ગ્લોબલ રેટિંગ એજન્સી આપી રહી છે. એવામાં વધુ એક અગ્રણી રેટિંગ એજન્સીએ ચાલુ નાણાકીય વર્ષ (૨૦૨૫-૨૬) માટે ભારતનો રિઅલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્શન (જીડીપી) ગ્રોથ રેટ ૬.૫%થી વધુ રહેવાનો અંદાજ આપી ભારતના આર્થિક ગ્રોથની અપેક્ષાઓને વધુ પ્રબળ બનાવી છે. ઈકરાએ જણાવ્યું હતું કે આ જ સમયગાળા દરમિયાન દેશનો રિઅલ ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) ગ્રોથ ૬.૩%થી વધુ રહેશે. જીડીપીની ગણતરી દેશમાં ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્ય પરથી નક્કી થાય છે, જ્યારે જીવીએ ઉત્પાદિત માલ અને સેવાઓના કુલ મૂલ્યમાંથી મધ્યવર્તી માલ અને સેવાઓની કિંમત બાદ કરીને મેળવવામાં આવે છે.

ઈકરા રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે, ફુગાવાના સંદર્ભમાં રિટેલ ફુગાવો (સીપીઆઈ) ૪.૨% થી વધુ રહેવાનો અંદાજ છે, જ્યારે જથ્થાબંધ ફુગાવો (ડબ્લ્યુપીઆઈ) ચાલુ નાણાકીય વર્ષ માટે ૨.૭%થી વધુ રહેશે. ઈકરાએ રાજકોષીય ખાધ જીડીપીના ૪.૪% રહેવાનો અંદાજ લગાવ્યો છે. ગ્રામીણ માંગ મજબૂત રહેવાની શક્યતા છે. સારા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગ્રોથ નોંધાવાના સંકેત છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું હતું કે ૨૦૨૫-૨૬ માટેના કેન્દ્રીય બજેટમાં આવકવેરામાં મોટી રાહત, દર ઘટાડાને કારણે ઈએમઆઈ (માસિક હપ્તા)માં ઘટાડો અને ખાદ્ય ફુગાવામાં નરમાઈની જાહેરાતના કારણે ઘરગથ્થુ ખર્ચપાત્ર આવકમાં વધારો થવાની અપેક્ષા છે.

અહેવાલમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે વૈશ્વિક પડકારોના કારણે નજીકના ભવિષ્યમાં ભારતની ગુડ્સ નિકાસમાં મંદી રહેવાની ભીતિ છે. જ્યારે સર્વિસ નિકાસમાં વૃદ્ધિ નોંધાવાની સંભાવના છે. ૨૦૨૫-૨૬માં કેન્દ્રનો મૂડી ખર્ચ ૧૦.૧ ટકા વધવાનો અંદાજ છે, જે રોકાણ પ્રવૃત્તિઓને વેગ આપશે. ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માટે આરબીઆઇ જીડીપી ગ્રોથ અંદાજ ૬.૫% પર જાળવી રાખ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫માં જીડીપી ગ્રોથ રેટ ૬.૫% નોંધવામાં આવ્યો હતો અને ૨૦૨૫-૨૬માં સમાન રહેવાનો અંદાજ છે.

Most Popular