ડોલરમાં
નબળાઈ હોવા છતાં, ભારતીય રૂપિયો તેના એશિયન સમકક્ષો કરતાં નબળો દેખાવ કરી રહ્યો
છે. વિવિધ પ્રતકૂળ પરિબળો પાછળ રૂપિયો સૌથી ખરાબ પ્રદર્શન કરતા એશિયન ચલણોમાંના એક
ચલણ તરીકે ઉભરી આવ્યો છે. સ્થાનિક ચલણમાં નબળાઈનું મુખ્ય કારણ તાજેતરના મહિનાઓમાં
વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા દેવામાંથી સતત ઉપાડ, ઇક્વિટી બજારમાં ધીમી
ગતિવિધિઓ અને ધીમો વિદેશી સીઘા રોકાણનો પ્રવાહ છે. ખાનગી બેંકના ટ્રેઝરી વડાએ
જણાવ્યું હતું કે, વૈશ્વિક સ્તરે ડોલરમાં નબળાઈ હોવા છતાં, આ વલણ ડોલર/રૂપિયા પર
પ્રતિબિંબિત થયું નથી. ગયા મહિના દરમિયાન, રૂપિયો ૮૫.૫૦ની આસપાસ રહ્યો છે. જ્યારે
આ સમયગાળા દરમિયાન અન્ય એશિયન ચલણો ૧થી ૨%ની વચ્ચે વધ્યા હતા, ત્યારે રૂપિયો દબાણ
હેઠળ રહ્યો હતો.
ડેટ
સેગમેન્ટમાંથી સતત એફપીઆઈ આઉટફ્લો, જૂનમાં ઓછી ઇક્વિટી બજાર ભાગીદારી અને તાજેતરના
મહિનાઓમાં નબળા એફડીઆઈ રોકાણ પ્રવાહે રૂપિયાની ચમક ઘટાડી દીધી છે. જૂન મહિનામાં
અત્યાર સુધીમાં, વિદેશી રોકાણકારોએ રૂ. ૫૪૦૨ કરોડના સ્થાનિક ઇક્વિટી શેર વેચ્યા છે,
જ્યારે તેમણે ડેટ સેગમેન્ટમાંથી રૂ.૧૩,૮૪૮ કરોડનું વેચાણ કર્યું છે. જૂન મહિનામાં
અત્યાર સુધીમાં રૂપિયો લગભગ ૦.૬% ઘટયો છે, જે તેને મહિના માટે સૌથી ખરાબ પ્રદર્શન
કરનાર એશિયન ચલણોમાંનો એક બનાવે છે.
ચાલુ
કેલેન્ડર વર્ષમાં અત્યાર સુધીમાં, સ્થાનિક ચલણ ડોલર સામે ૦.૫ ટકા નબળું પડયું છે, જ્યારે
ચાલુ નાણાકીય વર્ષમાં તે ૦.૭% ઘટયું છે. વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો
અને પશ્ચિમ એશિયામાં વધતા ભૂ-રાજકીય તણાવે ઘટાડામાં વધુ વધારો કર્યો છે. આ ઘટનાઓએ
વૈશ્વિક જોખમ ટાળવાની ભાવના ઉભી કરી છે, જેના કારણે રોકાણકારો ભારત સહિત ઉભરતા
બજારોમાંથી મૂડી પાછી ખેંચી રહ્યા છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવ વચ્ચે ક્રૂડ
ઓઇલના ભાવમાં વધારો થયો હતો.
ભારતીય રૂપિયો યુએસ ડોલર સામે ઝડપથી ઘટયો છે અને એશિયામાં સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણોમાંનો એક છે. મોટા વિદેશી મૂડીનો પ્રવાહ, બજારોમાં જોખમ-પર વાતાવરણ અને વૈશ્વિક ક્રૂડ ઓઇલમાં વધારો આ ઘટાડા માટે તેલના ભાવ જવાબદાર ગણી શકાય. વર્ષની શરૂઆતથી ૧૫ જૂન સુધી ડોલર ઇન્ડેક્સમાં લગભગ ૧૦%નો ઘટાડો થયો છે.





